For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં આર્થિક ઉદારીકરણમાં દલિતોને પૂરતી તક મળી?

ભારતના તત્કાલીન નાણામંત્રી ડૉ. મનમોહનસિંહે ભારતીય અર્થતંત્રના ઉદારીકરણની શરૂઆત 1991માં કરી તેના થોડા સમય બાદ 1992માં મહારાષ્ટ્રના દલિત ઉદ્યોગસાહસિક અશોક ખડેએ તેમની પોતાની કંપની 'ડીએએસ ઑફશોર એંજિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ'ન

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ભારતના તત્કાલીન નાણામંત્રી ડૉ. મનમોહનસિંહે ભારતીય અર્થતંત્રના ઉદારીકરણની શરૂઆત 1991માં કરી તેના થોડા સમય બાદ 1992માં મહારાષ્ટ્રના દલિત ઉદ્યોગસાહસિક અશોક ખડેએ તેમની પોતાની કંપની 'ડીએએસ ઑફશોર એંજિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ'નો પ્રારંભ કર્યો હતો.

ઉદારીકરણના ત્રણ દાયકા બાદ આ બન્ને નામ તેમનાં ક્ષેત્રમાં ટોચ પર છે. ઑફશોર માળખાના ફૅબ્રિકેશન ક્ષેત્રે ડીએએસ ઑફશોર વૈશ્વિક નામ બની ગઈ છે અને અશોક ખડેનો સમાવેશ આપબળે કરોડપતિ બનેલા દલિત સમુદાયનાં કેટલાક મોખરે રહેલાં નામોમાં થાય છે.

અશોક ખડેએ મુંબઈના માઝગાંવ ડૉકયાર્ડમાં યુવાવયે કામ કરતી વખતે પોતાની કંપની સ્થાપવાનું સપનું જોયું હતું. દેશના અર્થતંત્રનાં બારણાં વિશ્વ માટે ખુલ્લા મૂકવામાં આવ્યાં એ તેમનું સપનું સાકાર કરવાની દિશામાંનું પહેલું પગલું હતું.

30 વર્ષ પહેલાંના એ નિર્ણયે દેશનું ભાગ્ય પલટી નાખ્યું હતું અને અશોક ખડે આજે પણ માને છે કે એ નિર્ણય તેમના માટે મદદગાર સાબિત થયો છે. લાઇસન્સની પળોજણ અને ભરપૂર સ્પર્ધાત્મક મુક્ત બજારવાળા અર્થતંત્રે તેમને માર્કેટમાં પ્રવેશ કરવાની તેમજ સફળ થવાની તક આપી હતી.

તો શું અશોક ખડેના ઉદાહરણને આધારે એવું કહી શકાય કે ભારતમાંની જ્ઞાતિ આધારિત સામાજિક ભેદભાવની રેખા અર્થતંત્રના ઉદારીકરણને પગલે ભૂંસાઈ ગઈ?

જેમની અગાઉની અનેક પેઢીઓએ અસમાન સામાજિક માળખાને કારણે વેઠ કરવી પડી હતી એવા હાંસિયાના લોકોને ઉચ્ચ જ્ઞાતિઓના વર્ચસ્વવાળા વેપારી વર્ગે, બજારમાં પ્રવેશનો માર્ગ કરી આપ્યો હતો? છેલ્લા ત્રણ દાયકામાં ભારતના દલિતોના આર્થિક જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું છે?

આ બધા સવાલોનો અશોક ખડે સ્પષ્ટ જવાબ આપે છે. કશું જ બદલાયું નથી.

અશોક ખડે કહે છે, "મેં 10,000 રૂપિયાની મૂડીથી ધંધો શરૂ કર્યો હતો. મારા પિતા મોચી હતા. જો આજે મારે એક કરોડ રૂપિયાના મૂલ્યનું ટૅન્ડર ભરવું હોય તો તેમાં 10 લાખ રૂપિયાની બૅન્ક ગૅરંટી આપવી પડે છે, પણ એટલા પૈસા ક્યાંથી એકઠા કરવા?"

"મારી કોઈ આવક ન હોય અને મારા પિતાની આવક મામૂલી હોય ત્યારે હું નાણાં એકત્ર ન કરી શકું અને આજે પણ એવી જ પરિસ્થિતિ છે. કોઈ પાસે પોતાની માલિકીનું મકાન ન હોય તો એ તેને બૅન્કમાં ગીરો મૂકી શકાય નહીં. બૅન્ક એ વ્યક્તિની દરખાસ્ત નહીં સ્વીકારે જેની કોઈ શૅર-મૂડી ન હોય. અનેક લોકો આવી પરિસ્થિતિમાં ફસાયેલા છે. આ પરિસ્થિતિ છેલ્લાં 30 વર્ષમાં બદલાઈ નથી. લઘુ ઉદ્યોગક્ષેત્રે તેમાં થોડું પરિવર્તન થયું છે, પણ મેં વાસ્તવિક જીવનમાં ઉદાહરણ જોયાં નથી."


'1991એ અમારા માટે પરસ્થિતિ પલટાવી'

https://www.youtube.com/watch?v=fOJ0m702lf4

દલિત સમુદાયના 10,000થી વધારે ઉદ્યોગસાહસિકોના સંગઠન 'દલિત ઇન્ડિયન ચૅમ્બર્સ ઑફ કૉમર્સ' (ડીઆઈસીસીઆઈ)ના સ્થાપક અધ્યક્ષ ડૉ. મિલિંદ કાંબલે માને છે કે 1991ના આર્થિક સુધારાએ ભારતમાં દલિત મૂડીવાદને જન્મ આપ્યો હતો.

ડૉ. મિલિંદ કાંબલે કહે છે, "1991 પહેલાં પરિદૃશ્ય અલગ હતું. તેનું એક ઉદાહરણ આપું. મારા વતન પૂણેમાં ટાટા મોટર્સ અને બજાજ ઑટો જેવા બે-ચાર મોટા ઓટોમોબાઈલ-ઉદ્યોગો હતા. કેટલાક ખાસ સપ્લાયરો એ કંપનીઓને સ્પૅર-પાર્ટ્સ સપ્લાય કરતા હતા."

"એ કાયમી વ્યવસ્થા હતી અને તેમાં કોઈ નવો સપ્લાયર પ્રવેશી શકતો ન હતો, પરંતુ ઉદારીકરણ પછી ફોક્સવેગન, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા તથા જનરલ મોટર્સ જેવી કંપનીઓનાં એકમો પૂણેમાં શરૂ થયા હતા. તેથી નવા વૅન્ડરો અને સપ્લાયરોને તક મળી હતી. તેમાં દલિત વેપારીઓ પણ હતા અને તેમને પણ તક મળી હતી."

ડૉ. મિલિંદ કાંબલેનું નિરીક્ષણ સરળ અને સ્પષ્ટ છે.

આર્થિક સુધારાને પગલે આર્થિક તકોનું પ્રમાણ વધ્યું હતું અને દલિત ઉદ્યોગસાહસિકોની પહેલી પેઢી માટે બિઝનેસના દરવાજા ખૂલ્યા હતા. આ વાતનું આંકડાઓ પણ સમર્થન કરે છે.


આંકડાઓ કહે છે આંશિક કથા

ભારતમાં દલિતો

વિભિન્ન ક્ષેત્રોમાં વિવિધ જ્ઞાતિઓએ આપેલા યોગદાનની નોંધ આર્થિક જનગણનામાં લેવામાં આવે છે. પાંચમી આર્થિક વસતિગણતરી 2005માં હાથ ધરવામાં આવી હતી.

તે અનુસાર, અનુસૂચિત જાતિના લોકો 9.8 ટકા અને અનુસૂચિત જનજાતિના 3.7 ટકા લોકો બિન-કૃષિ સંસ્થાઓની માલિકી ધરાવતા હતા.

2013-14માં છઠ્ઠી આર્થિક વસતીગણતરી વખતે એ પ્રમાણ અનુસૂચિત જાતિના કિસ્સામાં વધીને 11.2 ટકા, જ્યારે અનુસૂચિત જનજાતિના કિસ્સામાં વધીને 4.3 ટકા થયું હતું. આ સરખામણી દર્શાવે છે કે દલિત વર્ગોનું આર્થિક પ્રદાન એ સમયગાળા દરમિયાન વધ્યું હતું.

હાંસિયા પરના લોકોમાં બિઝનેસ કરવાનો જુસ્સો આર્થિક ઉદારીકરણ પછી વધ્યો હોય એવું લાગે છે. દલિત કરોડપતિઓની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ વાત અહીં પૂરી થતી નથી.

'હાર્વડ બિઝનેસ સ્કૂલ'નાં લક્ષ્મી ઐયર તથા તરુણ ખન્ના અને 'બ્રાઉન યુનિવર્સિટી'ના આશુતોષ વર્શાનીએ ભારતમાં વિવિધ જ્ઞાતિઓમાંની ઉદ્યમવૃત્તિ વિશેનો એક અભ્યાસપત્ર 2011માં પ્રકાશિત કર્યો હતો. તેમણે 1990, 1998 અને 2005ના ઇકૉનૉમિક સેન્સસનાં તારણોને આધારે દલીલો રજૂ કરી છે.

દલિતોની ઉદ્યમવૃત્તિ બાબતે ટિપ્પણી કરતાં તેમણે લખ્યું હતું, "અમે રજૂ કરેલા પુરાવા સૂચવે છે કે અન્ય પછાત વર્ગના લોકોએ ઉદ્યોગસાહસિકતાની બાબતમાં પ્રગતિ કરી છે, પરંતુ અનુસૂચિત જાતિ અને જનજાતિ આ બાબતમાં થોડી પાછળ છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોના સંદર્ભમાં રાજકીય વગમાંનો વધારો ઉદ્યોગસાહસિકતાના વ્યાપક કૌશલ્યમાં પરિવર્તિત થયો નથી."

તે અભ્યાસપત્રમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું, "નવા આર્થિક સ્વાતંત્ર્યથી પ્રેરિત દલિત કરોડપતિઓનો ઉદય કમ સે કમ 2005 સુધી અનુસૂચિત જાતિ અને જનજાતિના વર્ગોનું વ્યાપક પ્રતિનિધિત્વ કરતો નથી. અનુસૂચિત જાતિ અને જનજાતિ પરત્વે પ્રગતિશીલ નીતિ ધરાવતાં રાજ્યોમાં, અન્ય પછાત વર્ગોએ સંસ્થાની માલિકીની બાબતમાં નોંધપાત્ર પ્રગતિ કરી હોય એવાં રાજ્યોમાં, અને ગ્રામીણ ભારતની સરખામણીએ ભેદભાવનું પ્રમાણ ઓછું છે એવા શહેરી વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ પ્રવર્તે છે."


આર્થિક સુધારાને પગલે દલિતો ગામડાં છોડીને શહેરમાં ગયા

ભારતમાં દલિતો

દલિતો પરની આર્થિક ઉદારીકરણની અસર માત્ર ઉદ્યોગપતિઓ અને બિઝનેસમૅનોની સફળતાની કથાઓ પૂરતી મર્યાદિત નથી.

સવાલ એ છે કે આ સુધારાઓને કારણે ગ્રામ્ય ભારતમાંના સામાન્ય દલિત પરિવારોના જીવનમાં કોઈ પરિવર્તન થયું?

આ પ્રક્રિયાની બે અસર વિવિધ અભ્યાસોમાં નોંધવામાં આવી છે. એક, નવી આર્થિક તકોને કારણે દલિત પરિવારો ગામડાં છોડીને શહેરમાં આવ્યાં અને બે, નવી મૂડીવાદી વ્યવસ્થામાં તેમના કામને ગૌરવ મળ્યું.

વિશ્વવિખ્યાત લેખક, સંશોધક અને દલિત કર્મશીલ ચંદ્રભાનપ્રસાદ કહે છે, "ઉત્તર ભારતમાંથી હજારો દલિતો ઔદ્યોગિક વસાહતોમાં કામ કરવા આવ્યા હતા. વર્ષો સુધી ખેતમજૂર તરીકે કામ કરતા રહેલા એ પરિવારોએ મજૂરીનું કામ બંધ કરી દીધું હતું. આર્થિક ઉદારીકરણ પછી દલિતોના સ્થળાંતરે વેગ પકડ્યો હતો એવું મને લાગે છે."

ચંદ્રભાનપ્રસાદ માને છે કે નવા આર્થિક માળખામાં પૈસાનું મહત્ત્વ જ્ઞાતિ કરતાં વધારે હતું. શહેરમાં સ્થળાંતર કર્યું હતું એવા લોકો પૈસા કમાઈ શક્યા હતા અને તેમનું પરંપરાગત કામ પણ પડતું મૂકી શક્યા હતા. શહેરમાંના કામે તેમને ગૌરવ અપાવ્યું હતું.

તો શું તેનો અર્થ એવો થાય કે તેઓ દલિત હોવાની કથિત નાનપમાંથી છૂટકારો મેળવી શક્યા? વિખ્યાત વિકાસવાદી અર્થશાસ્ત્રી રીતિકા ખેરા એવું માનતાં નથી.

રીતિકા ખેરા કહે છે, "ગામડાંમાં દમનકારી અને જ્ઞાતિઆધારિત વાતાવરણમાંથી છૂટકારો મેળવવાની હાકલ ડૉ. આંબેડકરે કરી હતી. તેમણે કહેલું કે ગામડાં છોડીને શહેરમાં ચાલ્યા જાઓ, કારણ કે તેઓ તમને ગામડાંમાં રહેવા દેશે નહીં. વળી શહેરી ભારત સદંતર જ્ઞાતિવાદી નથી એવું ઘણા આંકડા પણ જણાવે છે."

ખેરા ઉમેરે છે, "હા. દલિતોને શહેરોમાં વિવિધ તકો મળે છે. વ્યવસાયોમાં કામ કરવાની તકો ઉપલબ્ધ હોય છે. એ બહુ સારી વાત છે, પરંતુ લેબર માર્કેટની પરિસ્થિતિ ખાસ બહુ સારી નથી. "

"ગયા વર્ષે અચાનક લૉકડાઉન લાદવામાં આવ્યું ત્યારે શહેરી વિસ્તારમાંના શ્રમિકોએ કેટલું સહન કરવું પડ્યું હતું એ આપણે જોયું છે. તેથી દલિતોને ગરિમા અપાવવાના સંદર્ભમાં ઘણું કામ કરવાનું બાકી છે અને દલિત વિદ્વાનોના અભિપ્રાયને હું આદર આપીશ, પરંતુ એક અર્થશાસ્ત્રી તરીકે મને વર્તમાન પરિસ્થિતિથી સંતોષ નહીં થાય. તેઓ જે કામ કરે છે તેના માટે તેમને યોગ્ય વેતન આપવું પડશે, જે મારા માનવા મુજબ અત્યારે આપવામાં આવતું નથી."


ઉદારીકરણે સામાજિક ભેદભાવની રેખા ભૂંસી?

ભારતમાં દલિતો

30 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારાને લીધે વધુ તકોનું સર્જન થયું, પરંતુ તેણે સદીઓ જૂની જ્ઞાતિ વ્યવસ્થા અને તેની સાથે સંકળાયેલા ભેદભાવ દૂર કર્યા? આર્થિક સ્વાતંત્ર્યને કારણે ભારતમાં સામાજિક ન્યાયને વેગ મળ્યો?

કેટલાક લોકો માને છે કે તેનાથી માત્ર ભદ્ર વર્ગને જ ફાયદો થયો છે. તેમાં જાણીતા શિક્ષણવિદ્ શિવ વિશ્વનાથનનો સમાવેશ થાય છે.

શિવ વિશ્વનાથન કહે છે, "ઉદારીકરણથી અનૌપચારિક અર્થવ્યવસ્થાને ફાયદો થયો નથી. તેનાથી ભ્રષ્ટાચારમાં કેટલોક ઘટાડો થયો, સમાજવાદી માળખામાં થોડો ફેરફાર થયો. આપણી પાસે ઉદારીકરણથી ઘેરાયેલી સરકારી માનસિકતા હતી. તેનાથી ભદ્ર વર્ગને જ બન્ને રીતે ફાયદો થયો છે. એ અર્થમાં ઉદારીકરણ સામાજિક રીતે લાભકારક હોય એવું મને લાગતું નથી."

જોકે, ડૉ. મિલિંદ કાંબલે માને છે કે જ્ઞાતિસંબંધી ભેદભાવની રેખા ઝાંખી થઈ છે, પણ ભૂંસાઈ નથી.

તેઓ કહે છે, "હું જે જોઉં છું તેના આધારે જ કહું છું. આ વૈશ્વિકીકરણે જ્ઞાતિ વ્યવસ્થાના પાયા જરૂર હચમચાવ્યા છે. જ્ઞાતિવાદનો સફાયો થઈ ગયો છે એવું હું નહીં કહું, પણ તેના પર ફટકો જરૂર પડ્યો છે."

દલિત ઉદ્યોગસાહસિક અશોક ખડે તેમના અંગત અનુભવની વાત કરતાં કહે છે, "તેને જોવાની એક ચોક્કસ રીત છે. મારી અટક ખડે છે. મારા વિઝિટિંગ કાર્ડ પર મારું નામ કે. અશોક લખું છું. "

"જો હું મારી અટક લખીશ તો લોકો સમજી જશે કે હું અનુસૂચિત જાતિનો છું અને તેઓ મને નબળો ખેલાડી ગણશે. આવી નાની બાબતમાં બધું બદલાઈ જતું હોય છે."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=hmBQ-BzL6mY&t=1s

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Did Dalits get enough opportunity in economic liberalization in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X