For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણીએ કર્યા મોદીના વખાણ : ભાજપનું મંચ બન્યું મજબૂરી?

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 સપ્ટેમ્બર : ભારતીય જનતા પક્ષના ભીષ્મ લાલકૃષ્ણ અડવાણીએ છત્તીસગઢમાં નરેન્દ્ર મોદીના વખાણ શું કર્યાં કે તરત જ રાજકીય પંડિતોએ કયાસ કાઢવાનું શરૂ કરી નાંખ્યું, તો મીડિયા અડવાણીના નિવેદનની અંદર મોદી માટે તેમના આશીર્વાદ શોધવા લાગ્યું. આમ થવું સ્વાભાવિક અને સહજ પણ હતું, કારણ કે જે રીતે ગત 13મી સપ્ટેમ્બરથી લઈ ગઈકાલ સુધી અડવાણીનું મોદીની વડાપ્રધાન પદની ઉમેદવારી અંગે નકારાત્મક વલણ રહ્યું છે, તેને જોતાં અડવાણી જો આખું નરેન્દ્ર મોદી તો શું માત્ર ન કે મ હરફ ઉચ્ચારે, તોય તેનું મહત્વ ગણાય.

modi-advani

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગત 13મી સપ્ટેમ્બરના રોજ કોપભવન જતા રહ્યા હતાં કે જ્યારે ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાઈ રહ્યુ હતું. અડવાણીએ અહીં પણ ગોવાવાળી કરી હતી અને તેઓ સંસદીય બોર્ડની બેઠકમાં માત્ર ગેરહાજર જ નહોતા રહ્યાં, બલ્કે તેણે પક્ષના પ્રમુખ રાજનાથ સિંહ પર નારાજગીભર્યો પત્ર પણ લખી નાંખ્યો હતો. એટલું જ નહીં, ગઈકાલે જ્યારે રામ જેઠમલાણીની પાર્ટીમાં નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી એક સાથે હતાં, ત્યારે પણ મોદી-અડવાણી વચ્ચે મોટું અંતર હતું. આ પાર્ટીમાં નરેન્દ્ર મોદી અડવાણીના પગે તો લાગ્યાં, પણ અડવાણીએ આશીર્વાદ આપ્યું હોય તેવું કંઈ ન દેખાયું.

હવે વાત આજની કરીએ. આજે અડવાણીએ છત્તીસગઢના કોરબા ખાતે યોજાયેલ ભાજપની જાહેરસભા દરમિયાન નરેન્દ્ર મોદીના વખાણ કરી નાંખ્યાં અને તેને ભળતુ-સળતુ માની રાજકીય પંડિતો અડવાણીના નિવેદનમાં મોદી માટે આશીર્વાદ શોધવા લાગ્યાં, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અડવાણી કરત પણ શું? છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી હેઠળ ચાલતી મુખ્યમંત્રી ડૉ. રમન સિંહની પ્રચાર ઝુંબેશ દરમિયાન જો અડવાણી ઉપસ્થિત હતાં અને ભાજપના મંચ ઉપરથી બોલી રહ્યા હતાં, તો શું તેઓ નરેન્દ્ર મોદીની ટીકા કરત? સૌ જાણે છે કે અડવાણીના દિલને ઠેસ પહોંચી છે અને જો તેમની નારાજગી આમ દૂર થઈ જતી હોય, તો પછી પક્ષના મોટા ગજાના નેતાઓએ આમ તેમના નિવાસસ્થાને રિઝવવા માટે લાઇનો લગાવવાની જરૂર ન પડી હોત.

વાસ્તવિકતા એ છે કે લાલકૃષ્ણ અડવાણી જ્યાંથી બોલી રહ્યા હતાં, તે કોઈ સામાન્ય સ્થળ નહોતું, પણ પક્ષનું મંચ હતું. અડવાણી એવી જગ્યાએ ઊભા હતા કે જ્યાં તેમના માટે નરેન્દ્ર મોદી તેમના ગળાનુ હાડકું બની ગયા હતાં. અડવાણી જ્યારે જાહેરસભાને સંબોધતા ભાજપની સરકારોના વખાણ કરતા હતાં, ત્યારે સીધી વાત છે કે તેઓ પાસે નરેન્દ્ર મોદીના પણ વખાણ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જો તેઓ કેન્દ્રની અટલ બિહારી બાજપાઈ સરકારના વખાણ કરતા હોય, રાજ્યોમાં શિવરાજ સિંહ અને રમન સિંહની સરકારોની પ્રશંસા કરતા હોય, તો પછી ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને તેમની સરકારના વખાણ કર્યા વગર કેમ ચાલે? આ એક ઔપચારિકતા પણ કહેવાય અને જરૂરિયાત પણ. તેમાં એમ માની લેવાનું કોઈ કારણ નથી કે અડવાણી રાજી થઈ ગયાં છે.

જોકે અડવાણીના આ નિવેદનમાં એક હકારાત્મક બિન્દુ પણ હતું. અડવાણીએ પોતાના પ્રવચન દરમિયાન જણાવ્યું કે ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતનું વિકાસ કર્યું છે. અડવાણીના પ્રવચનમાં આ વાક્યનો ઉપયોગ થવો એક હકારાત્મક બિન્દુ જરૂર કહેવાય, પરંતુ આ બધુ તે મંચના પ્રતાપે થયેલું લાગે છે કે જે પક્ષનું મંચ હતું અને ત્યાંથી અડવાણી જ્યારે તમામ મુખ્યમંત્રીઓના વખાણ કરતા હોય, તો તે જ ક્રમે મોદીના પણ વખાણ કરે, તેમાં નવાઈ પામવા જેવું કશુંય નથી. બાકી આમ મુગલ-એ-આઝમ માની કેમ જાય?

English summary
L K Advani, who opposed Narendra Modi for PM Candidate, praised today Modi. But there is a question that is Bjp Forum forced advani to praise Modi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X