
શું ખરેખર રજનીકાંત બનશે ભારતના રાષ્ટ્રપતિ?
દેશના ભાવિ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, એની સાથે જ ઘણા એવા નામો ખુલીને સામે આવી રહ્યાં છે, જે બિલકુલ ધાર્યા બહારના છે. એવું જ એક નામ છે સુપરસ્ટાર રજનીકાંત નું. દિલ્હીથી લઇને તમિલનાડુ સુધી દરેક જગ્યાએ આ નામની ચર્ચા થઇ રહી છે. શું રાષ્ટ્રપતિ પદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ પહેલી પસંદ રજનીકાંત છે?

વરિષ્ઠ નેતા થયા રેસમાંથી બહાર
મોદી સરકાર પોતાના રસપ્રદ અને પ્રથાની બહારના નિર્ણયો માટે પ્રખ્યાત છે, અટલ બિહારી વાજપાયીએ પણ કંઇક આ જ રીતે ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદ સોંપ્યુ હતું. આથી જ કહેવાઇ રહ્યું છે કે, મોદી સરકાર રાષ્ટ્રપતિ પદ માટે રજનીકાંત પર પસંદગી ઉતારી એવી પૂરી શક્યતા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી વિરુદ્ધ બાબરી વિધ્વંસ મામલે કેસ શરૂ થનાર છે, સુપ્રીમ કોર્ટે આ અંગે આદેશ આપ્યાં બાદ તેમના નામ આ રેસમાંથી બહાર થઇ ગયાં છે. આ કારણે જ રજનીકાંતના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અમિતાભ બચ્ચનના નામ પર પણ ચર્ચા
થોડા સમય પહેલાં બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ પનામા પેપર્સ લિક થયા બાદ આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાવામાં આવ્યું. આથી હવે એ સવાલ ઊભો થયો છે કે, સુપરસ્ટાર રજનીકાંતને કયા કારણસર રાષ્ટ્રપતિ બનાવવાની વાત થઇ રહી છે? કહેવાય છે કે, મોદી સરકાર પ્રણવ મુખર્જીને ભવિષ્યનો કારભાર સોંપવા નથી માંગતી. ભાજપ પાસે મોટો બહુમત છે, આમ છતાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટીને એઆઇએડીએમકે અને બીજેડીનો સાથ જોઇશે.

એકમત ઉમેદવારની પસંદગી અશક્ય
રજનીકાંતના નામ પર તમામ પક્ષો એકમત થાય એવી શક્યતા છે, જેનું મુખ્ય કારણ છે તેમનો વિનમ્ર સ્વભાવ. રજનીકાંત વિવાદોથી હંમેશા દૂર રહ્યાં છે અને રાજકારણથી પણ. વર્ષ 2000માં તેમણે એકવાર એવો સંકેત આપ્યો હતો કે, તેઓ રાજકારણમાં નસીબ અજમાવી શકે છે. જો રજનીકાંત ભાજપ તરફથી ઉમેદવારી સ્વીકારે તો વિરોધ પક્ષ તેમનો વિરોધ નહીં કરી શકે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ માટે એઆઇએડીએમકેનો સાથ અનિવાર્ય છે. વળી લોકોમાં પણ રજનીકાંત ખૂબ લોકપ્રિય છે, જેનો ફાયદો ભાજપને મળી શકે છે. એઆઇડીએમકે લોકોની લોકપ્રિયતા સામે આંખ આડા કાન નહીં કરી શકે.

રજનીકાંત દ્વારા ભારત આપશે અલગ સંદેશ
- જ્યારે ભાજપ તરફથી રાષ્ટ્રપતિ તરીકે ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે આ નિર્ણય થકી તેમણે વિજ્ઞાન, ન્યુક્લિયર અને સેનાના સશક્તિકરણનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો. કલામ આજે પણ દેશના મિસાઇલ મેન કહેવાય છે. તમામ પક્ષો કલામના નામ પર એકમત થયા હતા. આ નિર્ણય થકી ભારત કઇ દિશામાં આગળ વધી રહ્યું છે, તે અંગે દુનિયાને સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
- પદ્મ વિભુષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત રજનીકાંત દ્વારા ભારત નરમ વલણ અપનાવવાનો સંદેશ આપવાનો પ્રયત્ન કરશે. રજનીકાંત દ્વારા ભારત કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરશે.

તમિલનાડુના રાજકારણ પર નજર
રજનીકાંત દ્વારા ભાજપ તમિલનાડુના રાજકારણ પર પણ નિશાન સાધશે. હાલ ભાજપ પક્ષ દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા કાર્યરત છે અને તેમને ખાતરી છે કે આ નિર્ણય તેમને માત્ર તમિલનાડુ જ નહીં, પરંતુ દક્ષિણ ભારતના અન્ય પ્રદેશોમાં પણ લાભ કરાવશે. આ સાથે જ તેઓ એ માન્યતાને પણ તોડવાનો પ્રયત્ન કરશે કે ભાજપ એક હિંદી ભાષી પાર્ટી છે તથા તેમણે તમિલનાડુ માટે કંઇ નથી કર્યું.

અહીં વાંચો
વિવાદિત બાબરી ઢાંચો મેં તોડાવ્યો, આપી શકો તો આપો ફાંસી
યુપીના પ્રતાપગઢના સાંસદ વેદાંતીએ કહ્યું, હા મેં તોડાવ્યો વિવાદિત બાબરી ઢાંચો. આ વાત માટે જો મને કોઇ ફાંસી પર પણ લટકાવી દે તો મને તેનું દુખ નથી.