
બ્રાઝિલ વિશ્વકપની સૌથી મોટી શોધ રોડ્રિગેજ
નવી દિલ્હી, 15 જુલાઇઃ જર્મની ફીફા વિશ્વકપ 2014માં વિજેતા બન્યુ એ સાથે જ વિશ્વકપમાં જ્યાં એક તરફ ફૂટબોલના અનેક આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓ પરાસ્ત થતાં જોવા મળ્યા તો કેટલાક નવા ખેલાડીઓ પોતાની પ્રતિભા અને કૌશલના જોરે આખા વિશ્વના ફૂટબોલ પ્રશંસકો અને વિશેષજ્ઞોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યાં છે.
તેમના ખેલના સ્તરને એ વાતથી જાણી શકાય છેકે, ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝીલ સામે 1-2થી પરાજય મળ્યા બાદ બ્રાઝીલિયન દિગ્ગજ ડેવિડ લુઇઝ રૂદન સાથે રોડ્રિગેજ પાસે ગયા, તેને દિલાસો આપ્યો અને સ્ટેડિયમમા હાજર દર્શકોને રોડ્રિગેજ માટે ચિયરઅપ કરવાની અપીલ કરી. તેમજ દર્શકોએ પણ મન મુકીને રોડ્રિગેજના વખાણ કર્યા. આર્જેન્ટિનાને વિશ્વ વિજેતા બનાવનારા દિગ્ગજ ખેલાડી મારાડોનાએ પણ રોડ્રિગેજને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો છે.
મારાડોનાએ ફાઇનલમાં જર્મની સામે પરાજીત થનાર પોતાની રાષ્ટ્રીય ટીમના સુકાની અને સ્ટાર સ્ટ્રાઇકર લિયોનેલ મેસીને ગોલ્ડન બોલ એવોર્ડ આપવામાં આવતા આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે મેસી ખરા અર્થમાં તેના હકદાર નથી, પરંતુ રોડ્રિગેજ આ એવોર્ડ માટે યોગ્ય હકદાર છે. એટલે સુધી કે ફીફાના અધ્યક્ષ સેપ બ્લાટરે પણ મેસીને ગોલ્ડન બોલ આપવા સામે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
રોડ્રિગેજમાં પ્રતિભા અને કૌશલની સાથોસાથ ખેલ ભાવના પણ ભરપૂર જોવા મળી. તેણે ગોલ્ડન બોલ નહીં મળવા બદલ અફસોસ વ્યક્ત નહીં કરીને બધાનો આભાર માન્યો. રોડ્રિગેજે ટ્વીટ કરીને બધાનો આભાર માનતા કહ્યું કે, ભગવાનનો આભાર માનું છું. હું શાનદાર સફળતાની શુભકામના બધાને આપું છું. મારા સાથીઓએ આ માટે મારો ઘણો ઉત્સાહ વધાર્યો છે. તેના બધા જ હકદાર છે.