અમદાવાદ: કારખાનાના કારીગરોએ કર્યું માલિકનું અપહરણ

Subscribe to Oneindia News

અમદાવાદ પાસે આવેલા સાણંદમાં રહેતા અને ચાંગોદરમાં સ્ટીલ ફેબ્રીકેશનના નામે વેપાર કરતા કનુભાઇ પટેલ સાથે બનેલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કનુભાઇ પટેલ વેપારી છે, તેમને ત્યાં કામ કરતા કામદારોએ જ અપહરણ કર્યું હતું. કામદારોએ વેપારીને રાજસ્થાન લઇ જઇ ખૂબ માર માર્યો હતો અને કાર પોતાના નામે કરાવી દીધી હતી.  આ બનાવની વિગત એવી છે કે કનુભાઇ પટેલ ચાંગોદરમાં ફેબ્રીકેશનનું કારખાનું ધરાવે છે. બે માસ પહેલા નરેશ લુહાર નામનો વ્યક્તિ તેમને ત્યાં કામ કરવા માટે ડુંગરપુર, રાજસ્થાનથી આવ્યો હતો. ત્યાર બાદ એક મહિના પહેલા સમીર, આબીદ અને સોહેબ નામના યુવાનો પણ રાજસ્થાનથી તેમને ત્યાં કામ કરવા માટે આવ્યા હતા. ગત 19મી ડિસેમ્બરે સવારે 11 વાગે નરેશે કનુભાઇને ફોન કરીને શાંતિપુરા સર્કલ, સરદાર પટેલ રિંગ રોડ પાસે ફોન કરીને બોલાવ્યા હતા. કનુભાઇ પોતાની સ્વિફ્ટ ડિઝાયર કારમાં શાંતિપુરા સર્કલ પહોંચ્યા ત્યારે સમીર, આબીદ અને સોહેબ પણ હાજર હતા.

Crime

તેમણે કનુભાઇને કારખાના પર મુકી જવા માટે કહ્યું હતું. આ દરમિયાન ગેલોપ્સ એસઇઝેડ પાસે પહોંચ્યા ત્યારે નરેશે બાથરૂમ જવાના બહાને કાર ઉભી રાખવાનું કહ્યું હતું. કનુભાઇએ કાર ઉભી રાખી હતી. જો કે, આ દરમિયાન કારમાં બેઠેલા આબીદે અચાનક કનુભાઇની આંખમાં પાછળથી મરચાની ભુકી નાંખી દીધી હતી અને તેમને માર મારીને બેભાન કરી દીધા હતા. ત્યારબાદ કારને રાજસ્થાન ખેરવાડા લઇ ગયા હતા. જ્યાં ફરીથી માર મારીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે, કનુભાઇ પાસે પૈસા ન હોવાથી આરોપીએ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર કાર પોતાના નામે લખાવી દીધી હતી અને બાકીના પાંચ લાખ સાણંદથી મોકલી આપવાનું કહીને કનુભાઇને અમદાવાદ આવતી બસમાં બેસાડી દીધા હતા. જો કે, શામળાજી ટોલનાકા પાસે આવીને કનુભાઇએ તેમના પરિવારને આ અંગે જાણ કરીને બોલાવી લીધા હતા. આ દરમિયાન તેમને ઇજાના કારણે દુખાવો થતો હોવાને કારણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પોલીસે એક આરોપીને ધરપકડ કરીને રાજસ્થાનથી કાર જપ્ત કરી છે.

English summary
Ahmedabad: Workers of mill kidnapped the owner.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.