• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Exclusive : મોદીના છલકાતાં કુંજામાં કાણું !

By Kanhaiya
|

અમદાવાદ, 26 ડિસેમ્બર : અમદાવાદનો સરદાર પટેલ સ્ટેડિયમ ફરી એક વાર ગુજરાતની છ કરોડ પ્રજાના જનાદેશને પ્રતિબિંબિત કરી રહ્યુ હતું. ફરી એક વાર સ્ટેડિયમ ભારતીય જનતા પક્ષ અને તેની સાથે જોડાયેલ એનડીએના મોટા-મોટા નેતાઓ અને મુખ્યમંત્રીઓની હાજરીનો સાક્ષી બની રહ્યો હતો. પાંચ વરસ બાદ નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમના મંચ ઉપરથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લઈ રહ્યા હતાં. જોકે પાંચ વરસ અગાઉ અને પછીના આ નજારામાં જનાદેશના હિસાબે માત્ર બે જ બેઠકોનો ફર્ક હતો, પરંતુ વાતાવરણના હિસાબે ઘણું બધું બદલાયેલું હતું. હકીકતમાં આ સમારંભ મોદીના શપથ ગ્રહણ સમારંભ કરતાં ભારતીય જનતા પક્ષ અને તેનાથી પણ એક ડગલું આગળ એનડીએ સામે મોદીનું શક્તિ પ્રદર્શન વધુ લાગી રહ્યુ હતું, કારણ કે મોદીએ આ વખતે પોતાની જાતને એક વિરાટ કદ તરીકે રજુ કરવાનુ હતું, પરંતુ શક્તિ પ્રદર્શન રૂપી મોદીના આ છલકાતાં કુંજામાં એક કાણું સૌને વારંવાર હેરાન કરી રહ્યુ હતું.

અહીં યાદ અપાવવાની કદાચ જરૂર નથી કે નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી વડાપ્રધાન તરીકેની ઉમેદવારીના પ્રબળ દાવેદારોમાંના એક ગણવામાં આવી રહ્યાં છે અને ગુજરાતમાં સતત ત્રીજી વાર વિધાનસભા ચૂંટણી જીતી મોદીએ જે રીતે પોતાની જાદુઈ નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપ્યો છે, તે જોતાં મોદીની આ દાવેદારી વધુ મજબૂત થઈ ગઈ છે. બસ હવે સવાલ રહી જાય છે પ્રથમ ભાજપમાં, પછી એનડીએમાં તેમની સ્વીકાર્યતાનો.

મોદીની શપથ વિધિમાં ભાજપના સૌથી મોટા નેતા લાલકૃષ્ણ અડવાણી અને પ્રમુખ નિતિન ગડકરી સહિત તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર હતાં, તો એનડીએ તરફથી પણ જે. જયલલિલાત, પ્રકાશ સિંહ બાદલ, ઓમપ્રકાશ ચૌટાલા, ઉદ્ધવ ઠાકરે, રામદાસ આઠવલે જેવા કદાવર નેતાઓની હાજરી મોદીના શક્તિ પ્રદર્શનની ગવાહી પૂરતી હતી. એટલું જ નહીં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ તથા મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ મોર્ચો માંડનાર રાજ ઠાકરે સહિત સુબ્રતો રાય સહિત અનેક નેતાઓ-અભિનેતાઓની ગ્લૅમરસ હાજરી તો જાણે મોદીનો આ કુંજો છલકાવવા આતુર હતી, પરંતુ આમ છતાં આ છલકવા જતો આ કુંજો વારંવાર છલકાતાં-છલકાતાં રહી જતો હતો. કારણ હતું તે કાણું, જે સૌને હેરાન કરી રહ્યુ હતું.

હા જી. અમે વાત કરી રહ્યાં છીએ બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારની. એમ તો બે વાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર નિતિશ કુમારે ક્યારેય મંચ ઉપર મોદીને નથી બેસાડ્યા, તો આ હિસાબે મોદીના શપથ ગ્રહણ સમારંભમાં તેમની ગેરહાજરી વ્યાવહારિક દૃષ્ટિકોણે કોઈ ચોંકાવનારી બાબત નથી, પરંતુ વાત જ્યારે વડાપ્રધાન પદ માટે એનડીએ તરફથી દાવેદારીની થતી હોય, તો પછી નિતિશની ગેરહાજરી મોદીના કુંજામાં કાણા જેવી જ ગણાય.

એમ પણ નિતિશ કુમાર અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય સ્પર્ધા વારંવાર સામે આવતી જ રહે છે અને આ સ્પર્ધા પાછળ સૌથી મોટો કોઈ મુદ્દો હોય, તો તે છે મુસ્લિમ વોટ. નિતિશ અને નરેન્દ્ર વચ્ચે 27મી ફેબ્રુઆરી, 2002 સુધી કોઈ અણબનાવ નહોતો, પરંતુ પછી ગોધરા કાંડ અને રમખાણોએ નિતિશના હૃદયમાં નરેન્દ્ર મોદીની છબી મુસ્લિમ વોટ બૅંક સામે સૌથી મોટા જોખમ તરીકેની ધરબાઈ ગઈ અને 2004ની લોકસભા ચૂંટણીમાં બાજપાઈ સરકારના પરાજયના સૌથી મોટા કારણ તરીકે નિતિશે નરેન્દ્ર મોદીની કથિત મુસ્લિમ વિરોધી છબીને જ ઠેરવી.

જોકે નિતિશ અને નરેન્દ્રની મુસ્લિમ વોટ બૅંક સુધી સીમિત રહેલ આ રાજકીય સ્પર્ધા ત્યારે વ્યાપક થવા લાગી, જ્યારે મોદીનું નામ વડાપ્રધાન પદના દાવેદાર તરીકે લેવાવા લાગ્યું. 2009ની લોકસભા ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણીનું નેતૃત્વ પ્રજાએ નકાર્યા બાદ મોદીનું નામ ખુલ્લેઆમ ઉછળવા લાગ્યું, તો નિતિશનું દર્દ વધવા લાગ્યું, કારણ કે સૌ જાણે છે કે ભાજપના દૃષ્ટિકોણથી ભલે અડવાણી બાદની પંક્તિમાં સમાવિષ્ટ નેતાઓમાં મોદીનું નામ સૌથી ઊપર હોય, પરંતુ ભાજપના બિનસામ્પ્રદાયિક સ્વરૂપ એનડીએના દૃષ્ટિકોણે નિતિશ કુમાર પોતાને સૌથી પ્રબળ બિનસામ્પ્રદાયિક દાવેદાર તરીકે ગણે છે.

આ પરિસ્થિતિમાં નીતિશ અને મોદી વચ્ચેનો સંઘર્ષ ભાજપ જ નહીં, પણ આગામી સમયમાં એનડીએ માટે પણ સાપે છછુંદર ગળ્યા જેવી બની શકે છે. મોદીએ પોતાના આ છલકાતાં કુંજામાં રહેલ નિતિશ રૂપી કાણું બંધ કરવું જ પડશે. ભાજપના અંદરના કાણાઓ તો તેઓ ભરી શકે છે, પરંતુ નિતિશ રૂપી કાણાને પહોંચી વળવું કદાચ 2014ની ચૂંટણીમાં ચૂંટણી અગાઉ સૌથી મોટો પડકાર તેમના માટે સાબિત થઈ શકે છે.

English summary
Chief Minister of Bihar Nitish Kumar's absence in Narendro Modi's oath ceremony is upset for Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more