
મેડિકલ એજ્યુકેશનના કેન્દ્રના રૂપમાં ઉભરશે પંજાબ: ભગવંત માન
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને રાજ્યને સમગ્ર વિશ્વમાં 'મેડિકલ એજ્યુકેશન'નું હબ બનાવવા માટે તેમની સરકારની નિશ્ચિત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કપૂરથલામાં નિર્માણ થનારી મેડિકલ કોલેજની જગ્યાનું નિરીક્ષણ કરવા આવેલા મુખ્યમંત્રીએ કહ્યું કે આ મેડિકલ કોલેજનું નામ પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીના નામ પરથી રાખવામાં આવશે.

કોલેજની ડિઝાઇનને આખરી ઓપ અપાઇ રહ્યો છે
કોલેજની સાઈટ અને ડિઝાઈનને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ પર ટૂંક સમયમાં કામ શરૂ થશે. ભગવંત માને જણાવ્યું કે મેડિકલ કોલેજ 20 એકર વિસ્તારમાં બનાવવામાં આવશે અને આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 428.69 કરોડ રૂપિયા થશે.

મેડિકલ કોલેજોમાં હોસ્ટેલની હશે સુવિધા
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ કોલેજમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે, તેથી 300 બેડની અતિ આધુનિક સિવિલ હોસ્પિટલ ઉપરાંત કોલેજની સાથે 10-12 માળની અતિ આધુનિક હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબમાં તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષમાં 16 નવી મેડિકલ કોલેજો સ્થાપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી રાજ્યમાં મેડિકલ કોલેજોની કુલ સંખ્યા 25 થઈ જશે. આ સુનિશ્ચિત કરશે કે રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવે. તેમણે કહ્યું કે સંગરુરમાં મસ્તુઆના સાહિબ ખાતે સંત અતર સિંહ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સનો શિલાન્યાસ તેમના દ્વારા કરવામાં આવી ચુક્યો છે. માને કહ્યું કે કપૂરથલા અને હોશિયારપુરમાં વધુ બે મેડિકલ કોલેજો પર કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે.

મેડિકલના વિદ્યાર્થીઓએ વિદેશમાં નહી જવુ પડે
મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે તબીબી શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને હવે યુક્રેન જેવા દેશોમાં જવું પડશે નહીં કારણ કે આ મેડિકલ કોલેજોમાં તેમને પ્રમાણભૂત તબીબી શિક્ષણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આરોગ્ય, શિક્ષણ, વીજળી અને સ્વચ્છ પાણી તેમની સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોના સહકારથી રાજ્ય સરકારે અનેક લોકલક્ષી પહેલ કરી છે.

આમ આદમી ક્લિનિક્સને ભરપુર સમર્થન
મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખોલવામાં આવેલા આમ આદમી ક્લિનિક્સને લોકો તરફથી અભૂતપૂર્વ સ્વીકૃતિ મળી રહી છે. તેમણે કહ્યું કે આ ક્લિનિક્સ લોકોને પ્રમાણભૂત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં આવા વધુ ક્લિનિક્સ ખોલવામાં આવશે. તે ખૂબ જ ગર્વ અને સંતોષની વાત છે કે ભારત સરકારે પણ લોકોને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આ ક્લિનિક્સની ભૂમિકાની પ્રશંસા કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે સત્તા સંભાળ્યા બાદથી લાયક યુવાનોને લગભગ 21,000 સરકારી નોકરીઓ આપી છે. તેમણે કહ્યું કે ઘણી વધુ ભરતીઓ પ્રક્રિયા હેઠળ છે અને તમામ સરકારી વિભાગોમાં સ્ટાફની અછત ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે.