For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ind Vs Afg : ભારત વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સામેની મૅચ ના જીતી શક્યું તો?

Ind Vs Afg : ભારત વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સામેની મૅચ ના જીતી શક્યું તો?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ સામેના પરાજયથી હતાશ થયેલી અને સતત ટીકાને કારણે લાચાર નજરે પડતી વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ટુર્નામેન્ટમાંથી બહાર થવાના આરે આવી ગઈ છે.

કપ્તાન વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયા

હવેની દરેક મૅચ તેના માટે જીતવી ફરજિયાત બની ગઈ છે ત્યારે બુધવારે સાંજે મક્કમતાથી રમી રહેલી અફઘાનિસ્તાન સામેની મૅચમાં એકાદ ભૂલ પણ ટીમને વર્લ્ડકપમાંથી બહાર કરી દેશે.

ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે અફઘાનિસ્તાન સામે ટકરાશે ત્યારે તેની સામે અગાઉની મૅચોમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરવાનો પડકાર રહેશે તો સાથે સાથે કૅપ્ટન વિરાટ કોહલીએ પણ ઘણા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.

વર્તમાન ક્રિકેટવિશ્વમાં શ્રેષ્ઠ મનાતા ઑફ સ્પિનર આર. અશ્વિનને ટીમમાંથી અત્યાર સુધી બહાર રખાયા છે; તે કોહલી માટે સૌથી મોટો પડકાર છે, કેમ કે બાકીની લગભગ તમામ ટીમ તેમના સ્પિનરોના જોરે મજબૂત દેખાવ કરી રહી છે.

આ વર્લ્ડકપમાં સ્પિનરો સારો દેખાવ કરી રહ્યા છે. તેમાંય બુધવારની ભારતની હરીફ ટીમ અફઘાનિસ્તાનના સ્પિનરો અને ખાસ કરીને રાશિદ ખાન જોરદાર ફોર્મ ધરાવે છે.

એવામાં ભારતની ટીમ તેની સાથે અશ્વિનને લઈ ગઈ હોવા છતાં તેમને હજી સુધી એકેય મૅચમાં તક આપી નથી અને તેમના કરતાં ઘણા ઓછા અનુભવી વરુણ ચક્રવર્તીને પ્રાધાન્ય આપે છે. વરુણ ચક્રવર્તી હજી સુધી બિનઅસરકારક રહ્યા છે.

પૉઇન્ટ ટેબલમાં હજુ ભારતનું ખાતું નથી ખુલ્યું

https://www.youtube.com/watch?v=-XFRdrdfQyA

એક તરફ પાકિસ્તાને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે તો આશ્ચર્યની વાત એ છે કે ભારતના ગ્રૂપમાં હાલમાં અફઘાનિસ્તાન બીજા ક્રમે છે.

આ સંજોગોમાં અફઘાન ટીમને માનસિક લાભ મળશે. ન્યૂઝીલૅન્ડ પણ ભારતને હરાવીને આગળ છે ત્યારે વિરાટ કોહલીની ટીમે હજી સુધી પૉઇન્ટ ટેબલમાં ખાતું પણ નથી ખોલાવ્યું.

ગણિતની દૃષ્ટિએ ભારત સેમિફાઇનલમાં પ્રવેશે તેવી શક્યતા રહેલી છે પરંતુ તાર્કિક રીતે ભારત આ ટુર્નામેન્ટમાંથી લગભગ આઉટ થઈ ગયું છે કેમ કે પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ આગળ છે અને ભારતે બાકીની તમામ મૅચ જીત્યા બાદ પણ અન્ય ટીમના પરિણામ પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ છે.

ભારતની હાર ન્યૂઝીલૅન્ડ માટે પણ જોખમ બનશે

ન્યૂઝીલૅન્ડ

ભારત હજી સુધી એકેય મૅચ જીત્યું નથી જેની સરખામણીએ અફઘાનિસ્તાન બે મૅચ જીતી ચૂક્યું છે.

હવે બુધવારે પણ તેઓ જીતે તો ભારત તો આઉટ થઈ જશે પરંતુ ન્યૂઝીલૅન્ડના ભાવિ પર પણ જોખમ આવી શકે તેમ છે.

આ સંજોગોમાં મોહમ્મદ નબી અને રાશિદ ખાન જેવા બૉલર ભારત માટે મુશ્કેલી સર્જી શકે તેમ છે કેમ કે આ બંને બૉલરને યુનાઇટેડ આરબ અમીરાતના મેદાનો પર રમવાનો તથા આઇપીએલમાં ભારતીય ખેલાડીઓ સામે રમવાનો અનુભવ છે.

અફઘાનિસ્તાને અત્યાર સુધી મક્કમ પ્રદર્શન કર્યું છે. 29મીએ અફઘાન ટીમે પાકિસ્તાન સામે પણ મજબૂત દેખાવ કર્યો હતો. જોકે આસિફ અલીએ ચાર સિક્સર ફટકારીને એ દિવસે અપસેટ બચાવી લીધો હતો.

અશ્વિનને વારંવાર નજરઅંદાજ કરવામાં આવ્યા

રવિચંદ્રન અશ્વીન

હવે બુધવારે ભારત માટે પણ કોઈ એકાદ ખેલાડીએ ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે. વિરાટ કોહલી એક કૅપ્ટન તરીકે પોતાની અંતિમ સિરીઝ રમી રહ્યા છે.

બાકી રહેલી તમામ મૅચમાં તેમની પાસેથી સારી ટીમની પસંદગીની અપેક્ષા રખાશે. અશ્વિનને વારંવાર નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે તે અંગે પણ કોહલીએ જવાબ આપવાનો રહેશે. આ ઉપરાંત મૅચમાં પણ તેમના બૉલિંગ-પરિવર્તન ટીમને લાભકારક રહ્યું નથી.

ન્યૂઝીલૅન્ડ સામે મોહમ્મદ શમીને બૉલિંગમાં મોડા લાવવાથી પણ ભારતને નુકસાન થયું હતું જ્યારે વરુણ ચક્રવર્તી પાસે તેમણે ઇનિંગ્સનો પ્રારંભ કરાવ્યો તે પણ મોટો છબરડો હતો.

આ ઉપરાંત પાવર પ્લેમાં રવીન્દ્ર જાડેજાને બૉલિંગ આપવાની પણ કોહલીએ ભૂલ કરી હતી.

સૌથી મોટી સમસ્યા હાર્દિક પંડ્યાની છે જેનો હજી ઉકેલ આવ્યો નથી અને બરોડાના આ ઑલરાઉન્ડર કોઈ પ્રભાવ દાખવી શક્યા નથી.

તાજેતરનાં વર્ષોમાં ભારતીય ટીમ વિશ્વમાં સર્વોપરી રહી છે. દરેક પ્રકારના ક્રિકેટમાં તેની બોલબાલા રહી છે. કદાચ આ બાબત નકારાત્મક અસર પણ કરી શકે, કેમ કે તેની પર અપેક્ષાઓનું ભારણ વધારે છે.

આ ઉપરાંત પાકિસ્તાન કે અફઘાનિસ્તાન જેવી હરીફ ટીમ તેમના દેશની આંતરિક સમસ્યાઓને કારણે ભારતની સરખામણીએ ઓછું રમે છે તેથી તેમની રમત અંગે સ્વાભાવિકપણે ઓછું ધ્યાન જાય, જ્યારે કોહલી કે રોહિત શર્મા કે બુમરાહની રમત પર સમગ્ર વિશ્વની નજર રહે છે. ભારત માટે આ ગેરલાભ પણ છે.

અફઘાન ટીમ ભારતને લપડાક મારી ચૂકી છે

અફઘાનિસ્તાન અને ભારતની ક્રિકેટમાં આમ તો સરખામણી શક્ય નથી પરંતુ તેમ છતાં આ રમત અનિશ્ચિતતાની રમત છે અને તેમાં ગમે ત્યારે પરિણામ બદલાઈ શકે છે. ખાસ કરીને ટી20માં તો એકાદ ઓવર કે એકાદ સ્પેલમાં પાસું પલટી જતું હોય છે.

અફઘાન ટીમ સામે રમતી વખતે ભારતે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. કેમ કે ભૂતકાળમાં આ ટીમન હળવાશથી લેવાનું પરિણામ ભારતે ભોગવ્યું છે.

યોગાનુયોગે એ વખતે મેદાન પણ આ જ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું જ હતું. 2018ની 25મી સપ્ટેમ્બરે રમાયેલી મૅચ આમ તો વન-ડે હતી પરંતુ તેમાં પણ ભારતને આ હરીફનો પરચો મળી ગયો હતો.

ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટી20 કે વન-ડેમાં ક્યારેય હારી નથી પણ આ મૅચ ટાઈ પડી હતી જે ધોનીની તત્કાલીન ટીમ માટે પરાજયથી પણ વિશેષ હતી.

દુબઈમાં યોજાયેલા એશિયા કપની આ મૅચમાં અફઘાન ઓપનર મોહમ્મદ શહેઝાદે આક્રમક પ્રદર્શન કર્યું હતું. તેમણે પ્રારંભથી જ ઝંઝાવાત સર્જ્યો હતો અને સાત સિક્સર ફટકારી દીધી હતી.

ભારે ભરખમ શરીર ધરાવતા શહેઝાદે 116 બૉલમાં 124 રન ફટકારી દીધા હતા તો સાતમા ક્રમે આવીને મોહમ્મદ નબીએ ચાર સિક્સર સાથે 64 રન ફટકારી દીધા હતા.

આમ છતાં અફઘાન ટીમનો 252 રનનો સ્કોર ભારત માટે ખાસ પડકારજનક લાગતો ન હતો.

એ વાત નોંધવી રહી કે એ મૅચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બૅટ્સમૅન રમ્યા નહોતા.

લોકેશ રાહુલ, અંબાતી રાયડુ અને દિનેશ કાર્તિકે ટીમને સફળતા અપાવવા માટે પર્યાપ્ત પ્રયાસ કર્યા પણ ત્યાર બાદ મોહમ્મદ નબી અને રાશિદ ખાન સામે ભારત નબળું પડી ગયું અને અંતે તેમણે ફેંકેલી છેલ્લી ઓવરમાં સિદ્ધાર્થ કૌલ અને રવીન્દ્ર જાડેજા આઉટ થઈ જતાં ભારત ટાર્ગેટ પાર કરી શક્યું નહીં.

આમ અફઘાનિસ્તાને પરાજય બચાવીને મૅચ ટાઇમાં ખેંચી કાઢી. અફઘાન ટીમ આ વર્લ્ડકપમાં રમી રહેલી અન્ય નબળી ટીમો કરતાં વધારે લડાયક છે. તેઓ સુપર-12માં આપોઆપ ક્વૉલિફાઈ થયા છે. તેમણે શ્રીલંકા કે બાંગ્લાદેશની માફક ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં રમવું પડ્યું નથી.

ભારતે હરીફ ટીમની લડાયક ક્ષમતા અને વર્તમાન ફૉર્મને ધ્યાનમાં રાખવાનું છે. અગાઉ કહ્યું તેમ આ મૅચમાં એકાદ ભૂલનું પુનરાવર્તન કોહલીની ટીમને વર્લ્ડકપમાંથી બહાર કરી શકે છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=v6S_1Klmnb8

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
what is india could not win against afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X