• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીએ કહ્યું 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-2013માં આપનું સ્વાગત છે'

|

ગાંધીનગર, 10 જાન્યુઆરી: તાજેતરમાં ભારત સહિત દુનિયાના લોકોનું ધ્યાન ગુજરાતમાં ચાલી રહેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2013 પર છે. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે ગિફ્ટસિટિનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન કંઇક આ શબ્દોમાં કર્યું હતું..

આશા છે કે નવું વર્ષ તમારા માટે સુખનો સંદેશ લઇ આવ્યું હશે. આગામી ત્રણ દિવસોમાં ગુજરાત છઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું આયોજન કરી રહ્યું છે. આ દ્વીવાર્ષિક કાર્યક્રમના આયોજનની શરૂઆત આપણે વર્ષ 2003 થી કરી હતી. મને ખુશી છે કે છેલ્લી પાંચેય સમીટને જ્વલંત સફળતા મળી છે અને રૂ. 820 અબજના મૂડીરોકાણને આકર્ષીને વાઇબ્રન્ટ સમીટે ગુજરાતના વિકાસમાં સંગીન યોગદાન આપ્યું છે.

આ સમીટના આયોજન થકી ગુજરાત વ્યાપારના એક વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે અને આપણા લોકો માટે વિકાસના અસંખ્ય અવસરોનું નિર્માણ થયું છે.આ વર્ષની વાઇબ્રન્ટ ગુજરાત સમીટ તેના ફલક અને સહભાગિતાની દ્રષ્ટિએ વધુ ભવ્ય છે, માત્ર એટલું જ નહીં, ગુજરાતના સાતત્યપુર્ણ, સર્વાંગીણ અને સર્વસમાવેશક વિકાસ માટે આ સમીટમાં જ્ઞાન, ચિંતન-મનન અને નવા વિચારોનો અદભુત સમન્વય થયો છે.

narendra modi
આવનાર ત્રણ દિવસો દરમિયાન 120 રાષ્ટ્રોના ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ અને રાજદ્વારીઓ મહાત્મા મંદિર અને ગુજરાતના અન્ય સ્થળોએ ઉપસ્થિત થશે. ભારતના ઉદ્યોગજગતના સુકાનીઓ અને અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ પણ સમીટમાં હાજરી આપશે. આ સમીટમાં 125 વિવિધ પ્રકારના સેમીનાર, ચર્ચા વિચારણાઓ અને પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. આમાંથી કેટલાંક કાર્યક્રમોનું આયોજન થઇ ચૂક્યું છે અને બીજા કેટલાંક આવનાર દિવસોમાં યોજાશે. આટલા બધાં દેશો અને રાજ્યોમાંથી ઉચ્ચકક્ષાના પ્રતિનિધિઓ સમીટમાં હાજરી આપે તે કોઇ નાનીસુની બાબત નથી.

તેમની હાજરી એ બાબતની સૂચક છે કે સમગ્ર દુનિયાએ ગુજરાતના વિકાસ મોડલની નોંધ લીધી છે અને આ માટે આપ સૌ - મારા ગુજરાતના છ કરોડ ભાઇ-બહેન ધન્યવાદને પાત્ર છો. તમે જે પરસેવો વહાવ્યો છે તેના પરિણામે જ ગુજરાત આજે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં વિકાસનો પર્યાય બની ચૂક્યું છે. વર્ષ 2013ની વાઇબ્રન્ટ ગુજરાત સમીટનો ઉદ્દેશ્ય અન્ય સમીટ કરતાં ઘણો અનોખો છે. મૂડીરોકાણથી આગળ વધીને આ સમીટમાં આપણે ‘જ્ઞાન'ને કેન્દ્રસ્થાને રાખ્યું છે.

ઇતિહાસ કહે છે કે જ્યારે-જ્યારે પણ માણસે જ્ઞાનના યુગમાં પ્રવેશ કર્યો છે ત્યારે આપણો આ મહાન દેશ પથદર્શક બન્યો છે. 21મી સદી એ જ્ઞાનની સદી છે અને જો આ સદીમાં આપણે જગતગુરુ બનવું હશે તો જ્ઞાનના સર્જન અને વિનિયોગની પ્રણાલીને મજબૂત બનાવવી પડશે. એટલે જ આપણે જ્ઞાનના ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગઇકાલે હું વિશ્વની ગણમાન્ય યુનિવર્સિટિઓ અને શૈક્ષણિક સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગયો હતો. સમીટના તમામ કાર્યક્રમો પૈકી મારા માટે આ સૌથી મહત્વનો કાર્યક્રમ હતો.

આ પરિષદના માધ્યમથી 56 દેશોની 135 યુનિવર્સિટિઓ/શિક્ષણ સંસ્થાઓ અને ભારતના 14 રાજ્યોની 60 યુનિવર્સિટિઓ/શિક્ષણ સંસ્થાઓ એક છત્ર હેઠળ જ્ઞાનના આદાન-પ્રદાન માટે સામૂહિક ચિંતન-મનન કરશે. આ પરિષદ દરમિયાન નોંધપાત્ર પ્રમાણમાં સમજૂતીકરારો થયાં. વળી, મને શિક્ષણક્ષેત્રના અત્યંત બુદ્ધિજીવી લોકો સાથે વાર્તાલાપ કરવાનો અવસર મળ્યો. મને ખાતરી છે કે ગુજરાતની યુનિવર્સિટિઓને આ પરિષદના માધ્યમથી બહોળો લાભ પ્રાપ્ત થશે.

વર્ષ 2013ની વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં નાના અને મધ્યમકદના ઉદ્યોગો ઉપર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. થોડાં દિવસ અગાઉ હું સૂરતમાં હિરા ઝવેરાતના પ્રદર્શનમાં ગયો હતો. ત્યાં ભારત સરકારે જ જાહેર કરેલ આંકડા મને જાણવા મળ્યાં, જે અનુસાર દેશમાં નાના ઉદ્યોગોનો વિકાસદર 19 ટકા છે, જેની સામે ગુજરાતના લઘુ ઉદ્યોગો 85 ટકાનો માતબર વિકાસ દર ધરાવે છે. આ વિકાસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમીટનું મોટું યોગદાન છે. આ સાથે જ આ આંકડાઓ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અંગે ગેરમાન્યતા ફેલાવી રહેલા ગુજરાત વિરોધી તત્વોને પણ સણસણતો જવાબ આપે છે.

આ સમીટમાં આપણે ટેકનોલોજીના આદાન-પ્રદાન, કૌશલ્ય વિકાસ અને નવીન સંશોધનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું કે જેથી આપણા યુવાનોને તેમના સ્વપ્નોની પરિપૂર્તી માટે શ્રેષ્ઠ અવસરો મળી રહે. તમારામાંથી પ્રત્યેક વ્યક્તિ પોતાના વિકાસનો પથ જાતે જ કંડારી શકે અને રાષ્ટ્રની સમૃદ્ધિમાં પોતાનું યોગદાન આપી શકે તેવી અમારી નેમ છે. ગ્લોબલ ટ્રેડ શો-2013 એ આ વર્ષની ગ્લોબલ સમીટના સૌથી આકર્ષક પાસાંઓ પૈકી એક છે. એક લાખ ચો.મી.થી વધુ વિસ્તારમાં ફેલાયેલ ભારતના આ સૌથી મોટા ટ્રેડ શોમાં 1,200 કંપનીઓની 25,000 જેટલી પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે અહીં એક અલાયદુ પેવેલિયન બનાવવામાં આવ્યું છે. આપ સૌ આ પ્રદર્શનની મુલાકાત લો તેવી મારી ખાસ ભલામણ છે.

આપ સૌને ગુજરાત આવવા હું આમંત્રણ આપુ છું અને મને ખાતરી છે કે ગુજરાત જેના માટે જાણીતું છે તેવા આતિથ્ય-સત્કારથી મોહિત થયાં વિના તમે નહીં રહો. મને આશા છે કે આ સમીટમાં તમે પોતાના સમયનો ફળદાયી ઉપયોગ કરી શકશો. તમે નવા લોકોને મળી શકશો તથા પ્રદર્શની અને પરિષદનો મહત્તમ લાભ લઇ શકશો.

છેલ્લાં થોડાં દિવસો દરમિયાન સમીટના ભાગરૂપે યોજાયેલ વિવિધ પરિષદ અને ચર્ચા વિચારણાઓમાં મારે જવાનું થયું છે, અનેક નવા લોકો સાથે મળીને જ્ઞાનના આદાન-પ્રદાનનો આ અનુભવ મારા માટે ઘણો સુંદર રહ્યો છે.આ સમીટનું આયોજન વિશ્વભરમાં જાણીતા એવાં ઉતરાયણના તહેવાર દરમિયાન કરવામાં આવ્યું છે. હું આપ સૌને ગુજરાતની આ અનોખી વિરાસતને માણવાનો અને રંગબેરંગી આકાશ જોવાનો લ્હાવો લેવાનું આમંત્રણ આપુ છું.

આ સમીટમાં ગુજરાતના સહયોગી દેશો જાપાન અને કેનેડાનો હું વિશેષ આભાર માનું છું. ગુજરાત સરકારના વિવિધ વિભાગોએ રાત-દિવસ મહેનત કરીને આ સમીટને સફળ બનાવી છે તે બદલ હું અંતરથી તેમનો આભાર માનું છું.વાઇબ્રન્ટ ગુજરાત-2013માં આપનું સ્વાગત છે.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more