હારની જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું આપ્યું
છેલ્લા 25 વર્ષથી પ્રયત્નો કરવા છતાં કોંગ્રેસ ગુજરાતમાં પોતાની પકડ નથી જમાવી શકી. ઉલટાની સ્થિતિ બદથી બદતર થતી જણાઈ રહી છે. 2020 કોંગ્રેસ માટે પણ માઠું રહ્યું હતું કેમ કે આ વર્ષમાં કોંગ્રેસે પોતાના એવા દિગ્ગજોને ખોયા છે જેમના ખભે કોંગ્રેસ ગુજરાતમાં પોતાની યથાસ્થિતિ બનાવી રાખી શકી હતી. પરંતુ હવે બીજા બે દિગ્ગજ નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
જણાવી દઈએ કે હાલમાં જ ગુજરાત વિધાનસભાની 8 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં કોંગ્રેસ મોવડીમંડળ પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુવા નેતાઓથી નારાજ હતું. હાર માટે નૈતિક જવાબદારી સ્વિકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ દાનાણીએ રાજીનામું આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ છેલ્લા 10 દિવસથી ગુજરાતની મુલાકાતે છે અને ગુજરાતના નેતાઓ સાથે અઢળક બેઠકો પણ બોલાવી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી. વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે અને પ્રદેશ પ્રમુખ તરીકે અર્જૂન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરના નામ રેસમાં સૌથી આગળ છે. બંને પદ પર હાઈકમાન્ડના આદેશાનુસાર નિમણૂંક કરવામાં આવશે.
રાજકોટ: ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા સરાહનીય પહેલ, દર વર્ષે ખેડૂતોને બદલે પોતે ચૂકવે છે રૂપિયા