કોલકાતા, 2 ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ગયા મહિને સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી આદીવાસી યુવતીનું પુનર્વસન માટે રાજ્ય સરકાર તેને પોલીસ અભિરક્ષા ઉપરાંત રોજગાર અને ઘર પણ આપશે. આ જાણકારી શનિવારે એક મંત્રીએ આપી.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પીડિતાને કેટલાંક સમય માટે એક અજ્ઞાત સ્થળે રાખવામાં આવી છે. વીરભૂમ જિલ્લાના સુબાલપુર ગામમાં 13 જેટલા લોકોએ જ્ઞાતિગત પંચાયતના કહેવા પર બળાત્કાર ગૂજાર્યો હતો. પીડિતાને બીજી કોમના યુવક સાથે પ્રેમસંબંધ બાંધવાની સજા કરવામાં આવી હતી.
પીડિતાની સાથે નિરંતર સંપર્ક બનાવી રાખનાર રાજ્યની મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શશિ પાંજાએ જણાવ્યું કે ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત એક ઘર અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ રોજગાર આપવામાં આવશે.
પાંજાએ જણાવ્યું કે 'તે હોસ્પિટલથી નીકળીને ચૌઉહાટા ગામ સ્થિત પોતાના મામાના ઘરે જવા માગતી હતી. જોકે તેના મામાનું ઘર તૂટી ગયું છે, માટે કેટલાંક સમય માટે પીડિતાને અજ્ઞાત સ્થાને રાખવામાં આવી છે.'તેમણે જણાવ્યું કે 'પીડિતાને સલાહ આપવાનું ચાલુ રહેશે અને તેને સુરક્ષા પણ આપવામાં આવશે. તેની માતા પણ તેની સાથે છે. અમે તેના ભવિષ્ય અંગે વિચારી રહ્યા છીએ, અને તેને આત્મનિર્ભર બનાવવાની કોશીશ કરી રહ્યા છીએ.'
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જાતે સજ્ઞાન લઇને રાજ્યના મુખ્ય સચિવને બે અઠવાડીયાની અંદર રીપોર્ટ જમા કરાવવાના નિર્દેશ આપ્યા છે.