
જાણો : સ્ટોક ફ્યુચરમાં કેવી રીતે કરશો ટ્રેડિંગ?
ડેરિવેટિવ્સ સેગમેન્ટ કે સ્ટોક ઓપ્શન્સમાં અને ફ્યુચરમાં ટ્રેડિંગ કરવું એ કેશ માર્કેટ કરતા હંમેશાથી વધારે જોખમી રહ્યું છે. કારણ કે તેમાં એક્સપોઝર વધારે રહેલું છે. આ કારણે તેમાં વળતર પણ વધારે મળે છે. આ કારણે ઘણા લોકોને ફ્યુચર ટ્રેડિંગ કરવાની ઇચ્છા થાય છે. જો કે તેમને ખ્યાલ આવતો નથી કે શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરી શકાય.
અમે અહીં ફ્યુચર ટ્રેડિંગ કરવા ઇચ્છતા લોકો માટે પ્યુચર ટ્રેડિંગ કરવાની સામાન્ય સમજ આપી રહ્યા છીએ. આ અંગે જાણવા આગળ ક્લિક કરો...

કેશ માર્કેટમાં ટ્રેડિંગની પદ્ધતિ સમજો
ફ્યુચર માર્કેટમાં જતા પહેલા કેશ માર્કેટમાં આપ શું કરશો તેની સમજ મેળવવી જરૂરી છે. ઉદાહરણ તરીકે આપે કેશ માર્કેટમાં યસ બેંકના રૂપિયા 280નો એક એવા 100 શેર ખરીદ્યા છે. જેના માટે આપે રૂપિયા 28,000 ચૂકવ્યા છે. આપે શેર રાખ્યા અને રૂપિયા 300ના ભાવે 100 શેર વેચી દીધા. એટલે કે આપને રૂપિયા 30,000 મળ્યા. આ સોદામાં આપને રૂપિયા 2,000નો લાભ થયો.

ફ્યુચર માર્કેટમાં ટ્રેડિંગની પદ્ધતિ સમજો
ફ્યુચર માર્કેટમાં આપ રૂપિયા 28,000માં વધારે ખરીદ કરી શકો છો. કારણ કે ફ્યુચર ટ્રેડિંગમાં આપે અંદાજે 15 ટકા જેટલું માર્જિન જ ચૂકવવાનું હોય છે. આ કારણે કેશ માર્કેટ કરતા 6થી 7 ગણી વધારે ખરીદી કરી શકાય છે. તેમાં જોખમ વધારે છે તો સામે વળતર પણ વધારે છે. દાખલા તરીકે આપ રૂપિયા 28,000માં યસ બેંકના એક લોટ એટલે કે 500 શેર્સ ખરીદી શકો છો. તેને વેચીને આપ કેશ ટ્રેડિંગની જેમ રૂપિયા 2,000 નહીં પણ રૂપિયા 10,000 નફો મેળવી શકો છો.

ફ્યુચર ટ્રેડિંગના વિવિધ પ્રકાર
ફ્યુચર ટ્રેડિંગના બે લોકપ્રિય પ્રકારો સ્ટોક ફ્યુચર અને ઇન્ડેક્સ ફ્યુચર છે. સ્ટોક ફ્યુચરનું ઉદાહરણ ઉપર આપેલા યસ બેંકના ઉદાહરણ જેવું છે. જ્યારે ઇન્ડેક્સ ફ્યુચર એ નિફ્ટી ફ્યુચર જેવું છે. જ્યાં આપ નિફ્ટી ખરીદીને વેચી શકો છો, અથવા વેચીને ખરીદી શકો છો.

કોન્ટ્રાક્ટ્સ દરરોજ મોનિટર થાય છે
ફ્યુચર કોન્ટ્રકાક્ટ દરરોજ મોનિટર કરવામાં આવે છે. ટ્રેડિંગ દિવસના અંતમાં આપના એકાઉન્ટમાં નફો કે નુકસાન બતાવવામાં આવે છે. જો નુકસાન હોય તો તે ચૂકવવામાં આવેલા માર્જિન મની માંથી બાદ કરવામાં આવે છે. અને નફો થાય તો માર્જિન મનીમાં ઉમેરવામાં આવે છે.

કોન્ટ્રાક્ટ એક્સપાયર્ડ થવો
ફ્યુચર કોન્ટ્રાક્ટ ચોક્કસ તારીખ સાથે સંકળાયેલા હોય છે. ભારતમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સની એક્સપાયરી દર મહિનાના છેલ્લા ગુરુવારે પૂરા થાય છે. કેશ માર્કેટમાં આપ આપના શેર આજીવન આપની સાથે રાખી શકો છો. જ્યારે ફ્યુચરમાં આપ તેવું કરી શકતા નથી. આપે ત્રણ મહિનામાં આપના સોદા સેટલ કરવાના હોય છે.