વડોદરાઃ 28મીએ લોકાર્પણ, 150 વર્ષ જૂનો બંગલો બનશે વિવેકાનંદ મેમોરિયલ
વડોદરા, 22 ઓક્ટોબરઃ વડદોરા ખાતે આવેલા 150 વર્ષ જૂના દિલારામ બંગલોને છેલ્લા છ મહિનાથી રિનોવેશન અર્થે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બંગલો આવતા અઠવાડિયે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ તરીકે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. આ મેમોરિયલનું ઉદ્ઘાટન અને લોકાર્પણ 28 ઓક્ટોબરના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી વાગીશાનંદજીના હસ્તે કરવામાં આવશે.
રામ કૃષ્ણ મિશનના સચિવ નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યા પ્રમાણે વિવેકાનંદજીનું ગુજરાતમાં આ ત્રીજું મેમોરિયલ હશે. ગુજરાતમાં હાલ બે મમેરિયલ છે, એક પોરબંદર અને બીજું સુરેન્દ્રનગરમાં. જ્યારે આખા ભારત અને યુએસએમાં કુલ 11 મેમોરિયલ છે. સ્વામી વિવેકાનંદર 24-26 એપ્રિલ 1892 દરમિયાન વડોદરાના રાજવી ઘરાણાના અતિથિ બન્યા હતા ત્યારે આ બંગલોમાં રોકાયા હતા.મહારાજા સયાજીરાવ ગાયકવાડના દિવાન મણિલાલ જશભાઇનું આ એક સમયે રહેઠાણ હતું, જેના જીર્ણોદ્ધાર માટે એક કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવશે. કુલ એક કરોડ રૂપિયાના ખર્ચમાં કેન્દ્ર સરકાર દ્વારા 62 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે અન્ય રકમને દાનપેટે વસુલવામાં આવી છે, તેમ નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું છે.
નિખિલેશ્વરાનંદજીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદજીના યાદોના ભાગરૂપે ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ બંગલો રામકૃષ્ણ મિશનને આપવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદે ભારતના અન્ય ભાગો સહિત ગુજરાતભરમાં પરિવ્રજકા તરીકે ત્રણ વર્ષ પ્રવાસ કર્યો હતો, જે દરમિયાન તેઓ ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા. અમદાવાદ, લિંબડી, જુનાગઢ, દ્વારકા, સોમનાથ, જામનગર, પોરબંદર, ભુજ, નરાયાણ સરોવર, ભાવનગર, પાલિતાણા, નડિયાદ સહિતના અન્ય સ્થળોની મુલાકાત લીધા બાદ તેઓ એપ્રિલ 1892માં વડોદરા આવ્યા હતા, જે એ સમયે બરોડા તરીકે ઓળખાતું હતું અને તેઓ વડોદરાના દિવાન કે જેઓ આ બંગલોમાં રહેતા હતા તેમને ત્યાં રોકાયા હતા.