
પાટણ: 'પદ્માવત'ના ઉગ્ર વિરોધને કારણે બસ સેવા ફરી બંધ
મંગળવારે રાત્રે જે રીતે અમદાવાદમાં 'પદ્માવત'ના વિરોધમાં ગુંડા તથા અસામાજિક તત્વોએ શહેરને બાનમાં લીધું હતું, ત્યાર બાદ બુધવારે સવારે પણ વિવિધ સ્થળોએ વિરોધ થયો હતો. ઉત્તર ગુજરાતના પાટણમાં આ કારણોસર એસટી બસ સેવા બંધ કરવામાં આવી છે. 'પદ્માવત'ના વિરોધમાં પાટણના ચાણસ્મા નજીક આવેલા પીંપલ ગામ પાસે કેટલાક તત્વોએ એસટી બસ રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા. ત્યાર બાદ એસટી ડેપો મેનેજરે સતર્કતાના કારણોસર બસો બંધ કરાવી દીધી હતી.
પાટણથી મોટી સંખ્યામાં હારીજ, ચાણસ્મા, ડીસા, જૂનાગઢ, સુરત તરફ જતા રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને પરિણામે એ તરફ જતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. મુસાફરોએ પ્રાઇવેટ વાહનો તરફ નજર દોડાવી હતી, પરંતુ પ્રાઇવેટ વાહનોએ પણ ભાવ વધારી દીધા હતા. આથી મુસાફરોએ રોષ વ્યક્ત કર્યો હતો. ફિલ્મના વિરોધમાં તોફાની ટોળા જે રીતે જાહેર સપંત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેના કરાણે તંત્રએ આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો હતો અને તેનો ભોગ આખરે તો સામાન્ય લોકો બન્યા છે.