For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાજીના ડુંગરાઓમાં ભક્તિરસની રમઝટ, પદયાત્રીઓ માટે તંત્રએ ગોઠવી શાનદાર વ્યવસ્થા

અંબાજીના ડુંગરાઓમાં ભક્તિરસની રમઝટ, પદયાત્રીઓ માટે તંત્રએ ગોઠવી શાનદાર વ્યવસ્થા

|
Google Oneindia Gujarati News

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તો ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યાં છે. આ વર્ષે થયેલા સાર્વત્રિક સારા વરસાદને લીધે ગરમીથી લોકોને રાહત મળતાં માઇભક્તો અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલી રહ્યા છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓ સોળે કળાએ ખીલ્યા હોવાથી પ્રકૃતિના સાંનિધ્યમાં હવે અંબાજી મુકામે મિનીકુંભનો માહોલ સર્જાશે.

ambaji

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઠેર ઠેર વિશાળ પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.

માઇભક્તો માટે મહેમાનો જેવી સરસ આરામની વ્યવસ્થા કરાઇ

ambaji

આપણી ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે ત્યારે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો અને માઇભક્તો પ્રત્યે રાજ્ય સરકારે એજ અતિથિ દેવો ભવની ભાવનાને સાર્થક કરતું સરસ આયોજન પદયાત્રિકો માટે કર્યું છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કુલ-૫ વિશાળ ડોમ યાત્રાળુઓના વિસામા અને આરામ માટે બનાવવામાં આવ્યા છે જેમાં યાત્રિકો પોતાના ઘેર સૂતા હોય તેમ શાંતિથી ઘસઘસાટ ઉંઘી શકે છે. હડાદ બાજુથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિર અને પોલીસ સ્ટેશન નજીક તથા દાંતા રોડ પર અને પાન્છા ખાતે પલંગ- ગાદલા સહિતની સુવિધાઓ સાથે વિશ્રામ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં યાત્રિકો આરામ કરીને અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ઉપર પીવાનું પાણી, આરોગ્ય, લાઇટની સુવિધા અને સુરક્ષા સહિત તમામ વ્યવસ્થાઓ ખુબ સરસ રીતે ગોઠવવામાં આવેલી છે.

ambaji

અંબાજીમાં સ્વચ્છતા માટે ૭૦૦ જેટલાં સફાઇ કર્મચારીઓ સેવામાં

મેળાની વ્યવસ્થા માટે જુદી જુદી ૨૮ સમિતિઓ સહિત આ વર્ષે પ્રથમ વખત બેઝ સમિતિ બનાવી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલ મેળાની સમગ્ર પરિસ્થિતી પર સીધી નજર રાખી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી રહ્યા છે. કલેકટરશ્રીએ મેળાના પ્રારંભ પહેલાં અંબાજીને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા અધિકારીઓને તાકીદ કરતાં સ્વચ્છતા માટે સ્પેશ્યલ ટીમો મુકીને ૭૦૦ જેટલાં સફાઇ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સફાઇની કામગીરી કરવામાં આવે છે. પરિણામે અંબાજીના તમામ વિસ્તારો સાફ- સુથરા અને સ્વચ્છ બનતાં ઘણા યાત્રિકોએ અંબાજીની સ્વચ્છતાની સરાહના કરી છે.

ambaji

અંબાજીના ડુંગરાઓમાં ભક્તિરસની રમઝટ

દાંતા-અંબાજી વિસ્તારના ડુંગરાઓ જાણે જીવંત બન્યા છે અને ચારેબાજુ બસભક્તિરસની જ રમઝટ જોવા મળે છે. દૂર દૂરથી યાત્રિકો બોલ મારી અંબે..જય જય અંબે..ના પ્રચંડ જયઘોષ સાથે અંબાજીના ડુંગરાઓ ચઢી રહ્યા છે. સંઘમાં આવતા માઇભક્તો માતાજીના રથને ભક્તિભાવપૂર્વક ખેંચીને તેમજ ગરબાના તાલે રમતા-ઝુમતા અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યા છે.

રસ્તાઓ ઉપર ઘણા સ્થળોએ વિવિધ સેવાકેન્દ્રો કાર્યરત બન્યાં છે. જેમાં યાત્રિકોને ચા-પાણી, નાસ્તો, જમવાનું તથા વિસામાની સગવડ મળે છે. મેળા પ્રસંગે માઇભક્તો ભક્તિમાં જાણે તરબોળ બન્યાં છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોના સંચાલકો અને સ્વયંસેવકો પદયાત્રિકોને આદરપૂર્વક વિનવણી કરીને ચા- નાસ્તો, જમવાની સેવાનો લાભ લેવા આગ્રહ કરતા જોવા મળે છે. સેવાકેન્દ્રો ઉપર પણ ભક્તિ સંગીત, ગરબાના તાલે માઇભક્તો ઝુમી રહ્યા છે.

ambaji

અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઇભક્તો હર્ષપૂર્વક માતાજીના જયઘોષ કરી રહ્યા છે. ઘણા ભાવિકો ભક્તિભાવથી મંદિરના શિખર ઉપર ધજાઓ ચડાવે છે. દર્શન કરીને મંદિર બહાર આવતા યાત્રિકોના મોં પર આનંદ અને સંતોષની લાગણી જોવા મળે છે.

દર્શનની વિશેષ વ્યવસ્થા

ભાદરવી મહામેળા પ્રસંગે લાખોની સંખ્યામાં યાત્રિકો અંબાજી ઉમટી રહ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન થાય તે માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે. સંઘમાં આવતા લોકો માટે અલાયદી રેલીંગ વ્યવસ્થા કરવામાં આવી છે. દંડવત પ્રમાણ, દિવ્યાંગો, વ્હીલચેરવાળા, સિનિયર સીટીઝન્સ તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઇનમાંથી સીધા લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓની લાઇનમાં પીવાના પાણીની તથા લીંબુ શરબતની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

પ્રસાદ વિતરણ માટે ખાસ વ્યવસ્થા

અંબાજી આવતા તમામ યાત્રિકો દર્શનાર્થીઓ સરળતાથી મા અંબાનો પ્રસાદ મેળવી શકે એ માટે સાડા ત્રણ લાખ કિ.ગ્રા. પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા છે.

વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા

અંબાજી મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાજી તીર્થસ્થાન પ્રાચીન સમયથી......

આદ્યશક્તિ મા અંબાનું તીર્થસ્થાન અંબાજી બહુ પ્રાચીન સમયથી હોવાનું મનાય છે. સીતાજીને શોધતા ભગવાન રામ અને લક્ષ્મણ અંબાજી નજીક આવેલા અર્બુદાચલના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં પહોંચ્યા ત્યારે ઋષિએ તેઓને ગબ્બર મુકામે માતાજીના દર્શનાર્થે મોકલ્યા હતા. ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીએ ભક્તિભાવપૂર્વક મા ની પૂજા-અર્ચના કરી હતી ત્યારે માતાજીએ પ્રસન્ન થઇ રાવણનો નાશ કરવા ભગવાન રામને અજયબાણ આપ્યુ હતુ ને એજ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. ભગવાન શ્રીકૃષ્ણનું ચૌલકર્મ અંબાજીમાં મા અંબેના સ્થાનકે થયાનો પુરાણોમાં ઉલ્લેખ છે. ૫૧ શક્તિપીઠોમાં સમાવિષ્ટ અંબાજી શક્તિપીઠનો મહિમા અજોડ અને ભવ્ય છે. માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપરનું સ્થાનક મનાય છે. અંબાજી મુકામે યાત્રિકોની સુવિધા માટે નોંધપાત્ર વિકાસકામો કરવામાં આવતાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વરસે ૧.૨૫ કરોડથી વધુ દર્શનાર્થીઓ અંબાજી આવે છે.

English summary
wonderful arrangement for the pedestrians in ambaji mela
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X