MLA નલીન કોટડિયાની ખંડણી બાબતે પૂછપરછ શરૂ
અમદાવાદના વસ્ત્રાપુરના બિલ્ડર મધુભાઇ પટેલે ધારીના ધારાસભ્ય એવા નલીન કોટડિયા પર 2 કરોડની ખંડણી માંગવા અને જાનથી મારવાની ધમકીના આરોપમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે હાઇકોર્ટે કોટડિયાને શુક્રવારે ક્રાઇમબ્રાન્ચ સમક્ષ હાજર રહેવાનું જણાવતા તે આજે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે હાઇકોર્ટે કોટડિયાની ધરપકડ સામે સ્ટે લંબાવ્યો છે પણ તપાસમાં સહકાર આપવાની સૂચના આપી છે.
જે અંતર્ગત નલીન કોટડિયા ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા. તેમની સાથે રેશ્મા પટેલ જેવા પાસ નેતાઓ પણ સમર્થનરૂપે સાથે આવ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે કોટડિયાના વાયરલ થયેલા મારામારીના વીડિયો વિષે સધન પુછપરછ કરી હતી. એસીપી સી. એન. રાજપૂત હાલ આ કેસમાં કોટડિયાની તપાસ કરી રહ્યા છે.
કોટડિયાનો "બેન" આક્ષેપ
ત્યારે આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા નલીન કોટડિયા આ સમગ્ર પ્રકરણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા તેમને દબાવવા માટે કરવામાં આવ્યું છે તેવો આરોપ લગાવ્યો હતો.